Sunday, February 4, 2018

મારો ઈશ્વર, મારા સવાલો

ફૂલોમાં તું રહે, તો પછી આ ફૂલો કરમાય છે કેમ,
માનવમાં તું વસે, તો એ અભિમાનથી છલકાય છે કેમ,

લોકો માને કે હાથે વીંટેલાં દોરાધાગામાં તારો વાસ છે,
એ પ્રમાણે જુઓ તો દરેક ખરાબ કર્મમાં તારોય હાથ છે,
તું જાણે, ખુશી અમે તો પહેલી વહેંચીએ તારી જ જોડે,
નથી લાગતું તને કે અમારા દુઃખમાં તારોય થોડો ભાગ છે,

પંખીનો કલરવ તું મૂકે, ડાળી પર ફળો તું ઉગાડે,
તો તું જ કહે, હવે તારા જ ઉછારેલા વૃક્ષો કપાય છે કેમ,

ફરિયાદો કરે લોકો મંદિરમાં દર્શન કરી,
તુંય લે મજા લોકોની ખુદને પ્રસન્ન કરી,
જેવી થઈ મૂર્તિ ખંડિત મૂકે પીપળે તને,
હાશકારો અનુભવે લોકો વિર્સજન કરી,

જોઈ આવું લાગે કે કર્મનો સિદ્ધાંત તનેય લાગે,
શિખામણ પ્રેમની આપે તોય પથ્થર બની તું પૂજાય છે કેમ,

કદીક આ માનવી તારાથી ડરતો નથી,
કેમ કે જરૂર વખતે જ તું મળતો નથી,
જો તું ભરી શકે કોઈની આંખમાં આંસુ,
તો મન બધાનું ખુશીથી કેમ ભરતો નથી,

સાંભળ્યું અમે કે તારી મરજી વગર એક પાદડુંય ના હલે,
ધરતી ધ્રૂજે મકાન પડે ત્યારે હાજરી તારી ભૂંસાય છે કેમ,

ફૂલોમાં તું રહે, તો પછી આ ફૂલો કરમાય છે કેમ,
માનવમાં તું વસે, તો એ અભિમાનથી છલકાય છે કેમ...
- નિશાંક મોદી

No comments:

Post a Comment