Saturday, July 18, 2020

ખાબોચિયું કહી શકો

ખાબોચિયું કહી શકો, બાકી બચ્યું એ સમંદર નથી,
વહેતુ જે લાગણીનું વાદળ, લગભગ હવે અંદર નથી,

સંબંધોનું બંધન તૂટ્યું, ધ્રાસકાથી રોકાઈ જવું જોઈએ,
ધબકે છે હજી, ચોક્કસ હૃદયને ઘટનાની ખબર નથી,

મોગરો,હજારી,ગુલાબે આપ્યું વળતર માળીને ઉછેરનું,
નમ્યા વગર ઉભું સૂરજમુખી, જાણે કહે મને કદર નથી,

રકાબીમાંથી ચા ઢળે એમ ઉભરવા દેતી તી આંસુઓને,
પાંપણો દર્દમાં હોઠ જેમ દબાઈ આંખોને એની અસર નથી,

મંદિરને તાળું મારવાનો વખત આવ્યો હવે તો તું સ્વીકાર,
કાં તો અંદર કોઈ પથ્થર નથી, કાં તો અંદર કોઈ ઈશ્વર નથી,

ગણતરી કરવા માટે શ્વાસની હાજરી જરૂરી છે કે શું?,
કહો કેમ સ્મશાન, માણસ નથી તો શું મહોલ્લો કે નગર નથી,

કમાયો દુઆ સાથ મેળવીને કે સાથ ગુમાવીને 'સ્પર્શ:' બાકી,
પ્રેમ, મિલાપ, વિરહમાં કોઈ અહીં એકલે હાથે તવંગર નથી.

- નિશાંક મોદી