Thursday, May 30, 2019

સુરજથી નજર

સૂરજથી નજર મેળવી ટક્યો, ને ખરતા તારાથી અંજાઈ ગયો,
દરિયાને બાથ ભરી સૂકો રહ્યો, ને એક આંસુથી ભીંજાઈ ગયો,

સારું હતું કે મન મારું ઈચ્છાઓથી સંપૂર્ણ ભરેલું હતું,
નહિતર વળી કો'ક કહેત કે અધુરો ઘડો વધુ છલકાઈ ગયો,

મારે લાયક ન હતું જે એ બધું જ તે મને આપી દીધું,
મારી એક ફૂલની બાધાથી શું ઈશ્વર તું લલચાઈ ગયો,

શસ્ત્રથી વીંધવાની વાત કરી હોત તો લેખે લાગત,
કોઈએ પ્રેમથી ગાલ પંપાળ્યો ને માણસ ગભરાઈ ગયો,

જોઈ મેં મંદિરોમાં થતી લૂંટફાટ તારા જ નામ પર,
તને શોધવા ત્યાં પહોંચ્યોને લાગ્યું કે તું જ ખોવાઈ ગયો,

ગઝલનું દર્દ કલમે લીસોટા પાડીને સમજાવ્યું તું જેને,
કારણ વગરનો એ ચૂંથેલો કાગળ નાહકમાં અભડાઈ ગયો,

સાંભળ્યું તું કે રામ લખેલા બધા પથ્થર તરી ગયા તા,
અમે પ્રયત્ન કર્યો ચોકથી ખાલી એક પથ્થર ઘસાઈ ગયો,

સૂરજથી નજર મેળવી ટક્યો, ને ખરતા તારાથી અંજાઈ ગયો,
દરિયાને બાથ ભરી સૂકો રહ્યો, ને એક આંસુથી ભીંજાઈ ગયો.
- નિશાંક મોદી