Monday, August 9, 2021

શિવ

શિવ તું, સખા તું, રુદ્ર તું, નાથ તું,
વિશ્વ ઓકે ઝેર, ભીડે ત્યાં બાથ તું,

કામ,ક્રોધ,મોહ,લોભ વશમાં તારા,
ભય લાગે શેનો, જો હોય સાથ તું,

વસે તું બીલી,રુદ્રાક્ષ,હિમાલયમાં,
ચંદન,ડમરુંને સ્મશાનનીય રાખ તું,

'ૐ નમઃ શિવાય' મંત્ર મોહિત કરે,
એક વાર બોલું ને મૂકે માથે હાથ તું,

શિવ તું, સખા તું, રુદ્ર તું, નાથ તું,
વિશ્વ ઓકે ઝેર, ભીડે ત્યાં બાથ તું.
✍️નિશાંક મોદી

Tuesday, July 13, 2021

એની આંખોને સ્પર્શી

એની આંખોને સ્પર્શી, પછી આંજણી મુંજાઈ ગઈ,
જાણે ખુદને અરીસે જોઈ એક છોકરી અંજાઈ ગઈ,

મનના આવેગો અંકુશમાં રહ્યા, શિયાળે ને ઉનાળે,
જોયો વરસાદને એક છત્રી પછી અંદરથી ભીંજાઈ ગઈ,

પ્રેમપત્ર લખવા શોધ્યા કાગળ, વિચાર, લોહીની નસો,
શાયરી ગોતવાની લાયમાં એક આખી ચોપડી વંચાઈ ગઈ,

પળો માણવા મીણબત્તી ફાનસ થકી પાથર્યું અજવાળું,
સામે બસ આગિયાઓની એક અંધારી રાત લૂંટાઈ ગઈ,

વાત થઈ હતી કે, બિનશરતી વખાણ થશે જીવનભર,
ખ્યાલ નહિ ક્યારે આમાં એક નાની ફૂડદી મુકાઈ ગઈ,

એની આંખોને સ્પર્શી, પછી આંજણી મુંજાઈ ગઈ,
જાણે ખુદને અરીસે જોઈ એક છોકરી અંજાઈ ગઈ.
✍️નિશાંક મોદી

રથયાત્રા ૨૦૨૧

કોણ કહે છે કે, વર્ષોના બંધનો છૂટતા નથી,
નાથ નીકળ્યો દ્વારે જુઓ દાસો પૂછતાં નથી,

ગલીઓ સુમસાન, વેગ પકડાયો નાદ વગર,
પ્રભુ તારા રથના પૈડાં પણ હવે તૂટતા નથી,

લૂંટી ગયો બે વર્ષમાં એટલું બધું નગરજનોનું,
આ વર્ષે તારા જાંબુ કે મગ કોઈ લૂંટતા નથી,

અમે ઘરમાં છીએ અને બારણું અમારું નાનું,
તારથી નમાશે? સાંભળ્યું છે કે ઈશ્વર ઝુકતા નથી!

કોણ કહે છે કે, વર્ષોના બંધનો છૂટતા નથી,
નાથ નીકળ્યો દ્વારે જુઓ દાસો પૂછતાં નથી...
✍️નિશાંક મોદી

Friday, June 25, 2021

आज भी मौजूद है

शहर में एक पुराना मकान आज भी मौजूद है,
धुंधली तस्वीरे, मीठी यादे आज भी मौजूद है,

एक महकता हुआ गुलाब रहता था आंगन में,
वहा कुछ भंवरे के बिखरे पर आज भी मौजूद है,

जंग लगी अलमारी ने संभालके रखे है पुराने कपड़े,
खेलते वक़्त तोड़ा था जो शीशा आज भी मौजूद है,

लगा था, कुछ अधूरा छोड़ के निकले थे हम वहाँ से,
आधी पढ़ी हुई किताब में रखा पंख आज भी मौजूद है,

मकड़ी के जालो में फ़स चुका है कोयला भरा बर्तन,
चलो जलाके देखते है चूले में आग आज भी मौजूद है,

सोचता रहा ये मन क्यू नही लगता है दूसरे जहाँ में,
जिस्म तो निकला रूह भरा दिल यहाँ आज भी मौजूद है,

शहर में एक पुराना मकान आज भी मौजूद है,
धुंधली तस्वीरे, मीठी यादे आज भी मौजूद है।
✍️निशांक मोदी

Wednesday, June 2, 2021

પૂછી લે

કોઈ એક સળગતો સવાલ હોય તો પૂછી લે,
જવાબમાં સહેજય કમાલ હોય તો પૂછી લે,

શબ્દોની જરૂર નહીં પડે કોઈનો ડૂમો રોકવા,
તું ખિસ્સામાં મોટો રૂમાલ હોય તો પૂછી લે,

એના નયનોની ધારમાં ઘાયલ થઈ જવાશે જ,
હૃદય પર જો મજબૂત ઢાલ હોય તો પૂછી લે,

કફન ગરમાવો નહિ આપે આ લાશને ઠંડીમાં,
તારા ફળિયામાં એકાદ શાલ હોય તો પૂછી લે,

આમ મોં ફેરવી ક્યાં લગી ચાલતો રહીશ તું,
જૂની કોઈક બાકી બબાલ હોય તો પૂછી લે,

ફેરવી દઈશ નસીબની રેખાઓ મારા તરફી,
હથેળીમાં જરાકે મજાલ હોય તો પૂછી લે,

તણખલા ડૂબે સાગરમાં કઈ મોટી વાત નથી, 
માછલી કે મોતી ડૂબ્યાની મિશાલ હોય તો પૂછી લે,

કોઈ એક સળગતો સવાલ હોય તો પૂછી લે,
જવાબમાં સહેજય કમાલ હોય તો પૂછી લે.
✍️નિશાંક મોદી

Thursday, May 27, 2021

મારી તો જો લાત

મારી તો જો લાત, દરેક બારણે તાળા નથી હોતા, 
તૂટેલો ખાટલો મૂડી એની, ઝૂંપડીમાં પિટારા નથી હોતા,

ભોળવાઈ શકે તો ભોળવાઈ જા મટકતી આંખોમાં,
યાદ રાખજે ઢળેલાં પોપચામાં પછી ઈશારા નથી હોતા,

હાથમાં હાથ રાખી ફરે જે યુગલ આખા ગામમાં,
કોણ કહે છે કે એમના ઘરમાં કોઈ તીખારા નથી હોતા,

દરિયાની સરહદ પણ ક્યાં બાંધી શક્યા છીએ,
એમાં ક્યાં તું પૂછે કે, વાદળોને કેમ કિનારા નથી હોતા,

આતો સંજોગોએ ઝુકાવ્યો છે માણસને 'સ્પર્શ:'
બાકી મળતા બધા માણસો કાંઈ બિચારા નથી હોતા.

મારી તો જો લાત, દરેક બારણે તાળા નથી હોતા, 
તૂટેલો ખાટલો મૂડી એને, ઝૂંપડીમાં પિટારા નથી હોતા.
✍️નિશાંક મોદી

Saturday, February 20, 2021

વિશ્વ માતૃભાષા દિવસ....ભૂંસાતી ગુજરાતી

જાણે દરિયામાં મોતી ખોવાય, એમ ખોવાઈ ગઈ,
ભાષા મારી ગુજરાતી, ન જાણે ક્યાં ભુલાઈ ગઈ,

હવે કાનો માતર વાળી બારાખડી યાદ રહેતી નથી,
એબીસીડી વચ્ચે હ્ર્સ્વઇ દીર્ઘઈ ક્યાંક ગૂંચવાઈ ગઈ,

આજકાલ વર્ગીકરણ થઈ રહ્યું માણસનું ભાષા સ્તરે,
જાણે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા વિસરાઈ ગઈ,

પાટીનું થયું સ્લેટ, બિલાડીનું થયું કેટ, મકાનનું થયું ફ્લેટ,
લાગે કે એક સગીર બાળા, ખૂંખાર અંગ્રેજમાં પિંખાઈ ગઈ,

પોતાનપણું લાગી આવે જ્યારે વાત કરે કોઈ વિદેશમાં,
ગુજરાતી ભાષા મોતી જ છે, બસ પરદેશમાં વેચાઈ ગઈ,

જાણે દરિયામાં મોતી ખોવાય, એમ ખોવાઈ ગઈ,
ભાષા મારી ગુજરાતી, ન જાણે ક્યાં ભુલાઈ ગઈ...
✍️નિશાંક મોદી