Monday, January 7, 2019

હું મળ્યો નહિ

બધાને મળી પાછો ફર્યો ખુદને હું મળ્યો નહિ,
કે ઘર સુધી લઈ જતા માર્ગને હું જડ્યો નહિ,

બેજવાબદાર હું આજે મારી જ કિંમતનો,
રસ્તામાં પારસમણિ મળ્યો ને હું અડ્યો નહિ,

છોડી દીધી કોશિશ એણે મને નમાવવાની,
પૂરો વરસી ગયો તો વરસાદને હું પલડ્યો નહિ,

મૃત્યુ પછીય સ્વભાવ અકબંધ રાખ્યો મેં,
જો પૂર્વજ થઈ ગયો તોય કદી હું નડ્યો નહિ,

કહી શકે હક તને કે પથ્થર હૃદય રાખો છો,
એક દિકરીની વિદાય હતી ને હું રડ્યો નહિ,

સુલહ કરી લેવાની આદત મને મોંઘી પડી,
મારો માળો વિખરાઈ ગયો ને હું લડ્યો નહિ,

બધાને મળી પાછો ફર્યો ખુદને હું મળ્યો નહિ,
કે ઘર સુધી લઈ જતા માર્ગને હું જડ્યો નહિ.
- નિશાંક મોદી

Sunday, January 6, 2019

તું ના કહીશ

ઉડી જાય એ વાત હું સ્વીકારું તારી,
પણ આંખોના ધોધને તું ઝાકળ ના કહીશ,

વરસી પડે એ કમોસમી કારણ વગર,
પણ ભરેલા આ મનને તું વાદળ ના કહીશ,

જાન રેડીતી શબ્દો લખવા તારા પર,
પણ પ્રેમપત્રને આમ તું કાગળ ના કહીશ,

લુછાતી નથી આંખોની કાળાશ માઁ થી,
પણ ચૂલાની આગને તું કાજળ ના કહીશ,

એકાદ સારા પ્રસંગે પૂર્ણ તું જાહેર કરી શકે,
પણ દર્દ ભરેલી વાર્તાને તું આગળ ના કહીશ
- નિશાંક મોદી

કેમ લખું ગઝલ?

પૂછે કોઈ મને, કે ગઝલ લખવા શું જોઈએ?
કોરો કાગળ જોઈએ કે ભીની કલમ જોઈએ?

ઘાવ જો બસ પુરાવાની અણી પર હોય ત્યારે,
ખોદી શકે એવો, નખ નામનો મલમ જોઈએ,

રાખ કરવાની રીત મળી ગઈ છે મારા દેહ ને,
અંદર બહાર બંન્ને સળગે એવી ચલમ જોઈએ,

વાયદાઓ પુરા કોઈ દી થતા નથી કોઈનાય,
હાથ મેળવી ચીરો પાડે એવો વ્હાલમ જોઈએ,

ના કોરો કાગળ જોઈએ, ના કલમ જોઈએ,
દર્દ બનાવે ગઝલ અથવા પ્રેમનો જુલમ જોઈએ.

- નિશાંક મોદી