Monday, January 7, 2019

હું મળ્યો નહિ

બધાને મળી પાછો ફર્યો ખુદને હું મળ્યો નહિ,
કે ઘર સુધી લઈ જતા માર્ગને હું જડ્યો નહિ,

બેજવાબદાર હું આજે મારી જ કિંમતનો,
રસ્તામાં પારસમણિ મળ્યો ને હું અડ્યો નહિ,

છોડી દીધી કોશિશ એણે મને નમાવવાની,
પૂરો વરસી ગયો તો વરસાદને હું પલડ્યો નહિ,

મૃત્યુ પછીય સ્વભાવ અકબંધ રાખ્યો મેં,
જો પૂર્વજ થઈ ગયો તોય કદી હું નડ્યો નહિ,

કહી શકે હક તને કે પથ્થર હૃદય રાખો છો,
એક દિકરીની વિદાય હતી ને હું રડ્યો નહિ,

સુલહ કરી લેવાની આદત મને મોંઘી પડી,
મારો માળો વિખરાઈ ગયો ને હું લડ્યો નહિ,

બધાને મળી પાછો ફર્યો ખુદને હું મળ્યો નહિ,
કે ઘર સુધી લઈ જતા માર્ગને હું જડ્યો નહિ.
- નિશાંક મોદી

No comments:

Post a Comment