Friday, October 11, 2019

એક આલીશાન મકાનમાં

એક આલીશાન મકાનમાં સપનું છાનુંમાનું હતું,
ને જ્યાં ખુશીઓ મલકાતીતી એ ઘર નાનું હતું,

રોટલો સૂકોને ચૂલો ભીનો તોય મન આનંદમય,
સૂરજ ઉગે તો ઠીક નહિતર પછી અંધારું હતું,

વસ્ત્ર બદલાવાનેય વસ્ત્રથી ઢાંકવું પડતું શરીર,
ઝૂંપડીની છતમાંય પાછું આભ જેવું કાણું હતું,

સંકોચાયેલું મડદું અકળાઈને પૂછે છે કબરમાંથી,
મારી જમીન પર ફરતાં મને અભિમાન શાનું હતું,

મોટી ચીજો મેળવી ખૂબ જ સહજતાથીને પછી,
ખુશ થવાનું ના કોઈ કારણ કે ના કોઈ બહાનું હતું,

જિંદગીનું પુસ્તક પૈસાએ તો રંગીન કરી નાખ્યું તું,
સોય અટકી ત્યાં જ જયાં સુખનું બેરંગ પાનું હતું,

એક આલીશાન મકાનમાં સપનું છાનુંમાનું હતું,
ને જ્યાં ખુશીઓ મલકાતીતી એ ઘર નાનું હતું.
- નિશાંક મોદી