Monday, November 19, 2018

પુરૂષ એટલે પુરુષોત્તમ

'પુરૂષ એટલે પુરુષોત્તમ'

જન્મ્યો પુરૂષ બની, પુરુષત્વ મળ્યું એનું અભિમાન મને,
'રડ્યા વગર લાગણીને સમજુ' કેવું ગજબ વરદાન મને,

આંખોમાં સ્ત્રી પ્રત્યે માનને, સાથ એમનાથી હું મહાન,
પુત્ર,પિતા,પતિ,ભાઈની કેવી મળી જો ઓળખાણ મને,

થાક્યા વગર ઉભો રહું સદા ને સાથ આપું ગૃહલક્ષ્મીને,
ઘરનો એકાદ સ્તંભ હું પણ, થાય સાંભળી ગુમાન મને,

નિભાવી હશે જ જવાબદારી આખી પુરૂષ જાતિએ,
એમ જ કહી સ્ત્રી થોડી આપે પુરુષોત્તમનું સમ્માન મને,

રોજ આથમીશ,રોજ ઉગીશ,જાતે તો હું પુરૂષ સળગતો,
સ્વભાવે તપતો સૂરજ તોય, માનશે જગત મહાન મને,

જન્મ્યો પુરૂષ બની, પુરુષત્વ મળ્યું એનું અભિમાન મને,
'રડ્યા વગર લાગણીને સમજુ' કેવું ગજબ વરદાન મને.

- નિશાંક મોદી

Monday, November 5, 2018

છંદ, અલંકાર

છંદ, અલંકાર, પ્રાસ આ બધું રહેવા દે,
મારે કવિતા કહેવી છે બસ તું કહેવા દે,

ડુસકા ભરેલું મનને ભીંજાયેલું ઓશીકું સામે જ છે,
દેખતો નથી તું પાછો કહે તારી લાગણીઓ વહેવા દે,

પ્રેમ આપી કોઈને કાંડા કપાઈ ગયા જેવી સ્થિતિ છે,
હાથ મન સીધા કામ કરે તું મનને છંછેડવાનું રહેવા દે,

શામિલ કાગળ,સ્યાહી,શબ્દો મનની સ્મશાનયાત્રામાં,
ચંદનના લાકડાઓને કલમની ધારનો માર તું સહેવા દે,

છંદ, અલંકાર, પ્રાસ આ બધું રહેવા દે,
મારે કવિતા કહેવી છે બસ તું કહેવા દે.
- નિશાંક મોદી