Saturday, April 13, 2019

હૃદય ક્યાંક શમી ના જાય

ધબકતા ધબકતા હૃદય ક્યાંક શમી ના જાય,
સાચવીને રાખજે એને, ક્યાંક નમી ના જાય,

જીતતા નથી શીખ્યું આટલા અનુભવો પછી પણ,
કોઈક પાછું પ્રેમની રમત ફરી ક્યાંક રમી ના જાય,

એક હૃદયનો ભાર સહન કરી થાકયું છે શરીર,
એમાં પાછું જોજે એને કોઈક ક્યાંક ગમી ના જાય,

અંતે લાગણીના ટોળા મથશે, હૃદયને રોકવાને,
ડર મને એ કે શ્વાસના ધરતીકંપો ક્યાંક ખમી ના જાય,

ધબકતા ધબકતા હૃદય ક્યાંક શમી ના જાય,
સાચવીને રાખજે એને, ક્યાંક નમી ના જાય.
- નિશાંક મોદી

Wednesday, April 10, 2019

સળગતો સૂરજ

સળગતો સૂરજ

મારી જેમ જ હું સૂરજને સળગતો જોવું છું,
બીજાને જોઈ એને પણ હું બળતો જોવું છું,

અંધકારમય વીતાવી કાળી રાત એણે પણ,
સવારે આસમાની આભમાં ફરી ઉગતો જોવું છું,

લાલ, પીળો, કેસરી રંગ બદલતો રહ્યો દિનભર,
મેઘધનુષના આ સાથીને રોજ મહેકતો જોવું છું,

તેજસ્વી હોય તો શું થયું! છે તો એ તારલો જ ને,
રોજ સાંજે સળગતા સૂરજને હું ખરતો જોવું છું,

મારી જેમ જ હું સૂરજને સળગતો જોવું છું,
બીજાને જોઈ એને પણ હું બળતો જોવું છું.
- નિશાંક મોદી