Wednesday, March 27, 2019

World Theatre Day

જિંદગીના રંગમંચ પર રોજ એક જ કિરદાર નિભાવુ છું,
તાળીઓના ગડગડાટ વચ્ચે મારા દર્દને હું ખુદ વધાવું છું,

આમ તો વાહવાહી લૂંટી બેસી નથી જતો આરામ પર,
એક તમાશો પૂરો કરી, વિખરાયેલી ખુરશીઓ સજાવું છું,

સ્વીકારી લીધા આંખોના આંસુને નાટકનો ભાગ સમજી,
એક હસતો ચહેરો ચઢાવી હસવાની વાત સમજાવું છું,

નીતરતા પરસેવાને માની દરિયાની બાષ્પ જો હું ભીંજાયો,
આ ફોકસ મારતી લાઈટો વચ્ચે હોળી દિવાળી મનાવું છું,

કિરદાર મારો એમ ક્યાં ખતમ થઈ જાય છે નાટક પછી,
પડદો પડી ગયા પછીય વર્ષો સુધી હું યાદ બનીને આવું છું,

જિંદગીના રંગમંચ પર રોજ એક જ કિરદાર નિભાવુ છું,
તાળીઓના ગડગડાટ વચ્ચે મારા દર્દને હું ખુદ વધાવું છું.
- નિશાંક મોદી 'સ્પર્શ:'