Tuesday, July 13, 2021

એની આંખોને સ્પર્શી

એની આંખોને સ્પર્શી, પછી આંજણી મુંજાઈ ગઈ,
જાણે ખુદને અરીસે જોઈ એક છોકરી અંજાઈ ગઈ,

મનના આવેગો અંકુશમાં રહ્યા, શિયાળે ને ઉનાળે,
જોયો વરસાદને એક છત્રી પછી અંદરથી ભીંજાઈ ગઈ,

પ્રેમપત્ર લખવા શોધ્યા કાગળ, વિચાર, લોહીની નસો,
શાયરી ગોતવાની લાયમાં એક આખી ચોપડી વંચાઈ ગઈ,

પળો માણવા મીણબત્તી ફાનસ થકી પાથર્યું અજવાળું,
સામે બસ આગિયાઓની એક અંધારી રાત લૂંટાઈ ગઈ,

વાત થઈ હતી કે, બિનશરતી વખાણ થશે જીવનભર,
ખ્યાલ નહિ ક્યારે આમાં એક નાની ફૂડદી મુકાઈ ગઈ,

એની આંખોને સ્પર્શી, પછી આંજણી મુંજાઈ ગઈ,
જાણે ખુદને અરીસે જોઈ એક છોકરી અંજાઈ ગઈ.
✍️નિશાંક મોદી

રથયાત્રા ૨૦૨૧

કોણ કહે છે કે, વર્ષોના બંધનો છૂટતા નથી,
નાથ નીકળ્યો દ્વારે જુઓ દાસો પૂછતાં નથી,

ગલીઓ સુમસાન, વેગ પકડાયો નાદ વગર,
પ્રભુ તારા રથના પૈડાં પણ હવે તૂટતા નથી,

લૂંટી ગયો બે વર્ષમાં એટલું બધું નગરજનોનું,
આ વર્ષે તારા જાંબુ કે મગ કોઈ લૂંટતા નથી,

અમે ઘરમાં છીએ અને બારણું અમારું નાનું,
તારથી નમાશે? સાંભળ્યું છે કે ઈશ્વર ઝુકતા નથી!

કોણ કહે છે કે, વર્ષોના બંધનો છૂટતા નથી,
નાથ નીકળ્યો દ્વારે જુઓ દાસો પૂછતાં નથી...
✍️નિશાંક મોદી