Wednesday, June 2, 2021

પૂછી લે

કોઈ એક સળગતો સવાલ હોય તો પૂછી લે,
જવાબમાં સહેજય કમાલ હોય તો પૂછી લે,

શબ્દોની જરૂર નહીં પડે કોઈનો ડૂમો રોકવા,
તું ખિસ્સામાં મોટો રૂમાલ હોય તો પૂછી લે,

એના નયનોની ધારમાં ઘાયલ થઈ જવાશે જ,
હૃદય પર જો મજબૂત ઢાલ હોય તો પૂછી લે,

કફન ગરમાવો નહિ આપે આ લાશને ઠંડીમાં,
તારા ફળિયામાં એકાદ શાલ હોય તો પૂછી લે,

આમ મોં ફેરવી ક્યાં લગી ચાલતો રહીશ તું,
જૂની કોઈક બાકી બબાલ હોય તો પૂછી લે,

ફેરવી દઈશ નસીબની રેખાઓ મારા તરફી,
હથેળીમાં જરાકે મજાલ હોય તો પૂછી લે,

તણખલા ડૂબે સાગરમાં કઈ મોટી વાત નથી, 
માછલી કે મોતી ડૂબ્યાની મિશાલ હોય તો પૂછી લે,

કોઈ એક સળગતો સવાલ હોય તો પૂછી લે,
જવાબમાં સહેજય કમાલ હોય તો પૂછી લે.
✍️નિશાંક મોદી

No comments:

Post a Comment