Sunday, February 25, 2018

સારી ચૌદશ

#સારી ચૌદશ

નીકળ્યો ફરવા હું આજે એમ જ ને અમસ્થા,
મન મેલા પાછા વળ્યાં, મુંઝવણમાં ચાર રસ્તા,

અમારો શું વાંક બધી દિશાઓ તો આપની,
કદી સાંભળ્યું કે 'રોડ પર ભૂતો હોય વસતાં',

એક લોટો પાણીનો કેવી રીતે દૂર કરે કકળાટ,
દાળવડું પૂછે ગોળ કુંડાળાને હસતાં હસતાં,

ફિકર આટલી જ જો નકારાત્મકતાની હોય,
મન બદલો જેમાં ચાલે આવા વિચારો સસ્તાં,

દર્શાવે આ કે ઈશ્વરમાં તારી છે અધૂરી શ્રદ્ધા,
મનનું ઘર રાખ ચોખ્ખું ના કર મેલા આ રસ્તા,

નીકળ્યો ફરવા હું આજે એમ જ ને અમસ્થા,
મન મેલા પાછા વળ્યાં, મુંઝવણમાં ચાર રસ્તા.
- નિશાંક મોદી

No comments:

Post a Comment