Sunday, February 25, 2018

હશે કઈક વિચિત્રતા

હશે કઈક વિચિત્રતા એનીય તિક્ષ્ણ ધારમાં,
મ્યાન ચીરાતી નથી, ખામી લાગે તલવારમાં,

સૂરજનેય તકલીફ તો છે ઊંઘની મારી જેમ,
ખ્યાલ નથી કેમ કરી ઉઠી જાય એ સવારમાં,

પથ્થર કોતરી ને બનાવી દે પ્રતિમા કારીગર,
નક્કી ઈશ્વર બેઠો છુપાઈને આ ઓજારમાં,

મોહ ખરો લોકોને કપડાં રોજ બદલવાનો,
કફન કદીય જોયું નથી સુકાતું કોઈ તારમાં,

મોકો નથી મળતો માફી માંગવાનો સૌની,
ચૂકવી દીધા બધા ઋણ અહીં આભારમાં,

છોડ જગ જીતવાની વાત, મેં માડી વાળ્યું,
સિકંદરે કીધું કબ્રમાંથી મજા છે દોસ્ત હારમાં,

હશે કઈક વિચિત્રતા એનીય તિક્ષ્ણ ધારમાં,
મ્યાન ચીરાતી નથી, ખામી લાગે તલવારમાં.
- નિશાંક મોદી

No comments:

Post a Comment