Sunday, February 4, 2018

દીકરી વિદાય

મહેકાવ્યું અમારું ઘર, હવે આપનું ઘર મહેકાવશે,
ખુશીની સૌગાત પાલવમાં ભરી તમારા ઘરે આવશે,

પિતાના વાત્સલ્યમાં સદાય છલકાય છે,
માતાની હૂંફ હેઠળ મદમસ્ત મલકાય છે,
મોટાભાઈના હાથમાં કાલ સુધી જે રમતી,
મોટી થઈ આ બહેન જોને કેવી આ વિદાય છે?

દીકરીની ફરજ નિભાવી, વહુની ફરજ નિભાવશે,
આંખોમાં પ્રેમનું અમીઝરણું લઈ તમારા ઘરે આવશે,

ઘરના ખૂણે ખૂણે જો તારી મીઠી ભરેલી યાદ છે,
દરેક દીવાલ પર તારો ફોટો નથી એમની ફરિયાદ છે,
તારા ગયા પછી આ ખાલીપો કોણ ભરશે ઘરનો,
હાલ તો ચારેકોર ગુંજતો તારો જ મધુર અવાજ છે,

ચિંતા અમારી એ કે દિવાળી પર ઘર કોણ સજાવશે?,
પ્રગટાવશે દિવા એના ઘરે કે અમને મળવા ઘરે આવશે,

લાડકોડથી ઉછરી એટલે કદાચ બધું નહીં ફાવે,
ખાતરી એ વાતની કે કોઈનું મન એ નહિ દુભાવે,
મૃગ જેવી ચંચળને કાયમ હસતી અમારી 'સ્વીટુ',
જ્યાં જાય ત્યાં લાગણીને હેતનું વાદળ ઠાલવી આવે

'ખેલન'ને સાદ પાડી વહેલી સવાર એને હવે કોણ ઉઠાડશે,
'દીકરીની વિદાય થઈ' આ વાત મનને અહીં કોણ મનાવશે,

મહેકાવ્યું અમારું ઘર, હવે આપનું ઘર મહેકાવશે,
ખુશીની સૌગાત પાલવમાં ભરી તમારા ઘરે આવશે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment