Friday, March 6, 2020

"સ્ત્રી તું જ સર્જનહાર"

"સ્ત્રી તું જ સર્જનહાર"

જો તું બને સાવિત્રી, તો તું યમરાજનોય કાળ છે,
તું જ ઈશ્વર, તું જ માતાને તું જ સર્જનહાર છે,

વટથી મૂછ પર તાવ દેતા પિતાને તું નમાવી શકે,
તું જ લાગણીનો ધોધને તું જ આંખોની ધાર છે,

પ્રેમત્યાગની ભાવનામાં તું કૃષ્ણથી પણ ચઢિયાતી,
તું જ રાધા, તું જ રૂકમણીને તું જ ગોપીઓની પુકાર છે,

જીવને ઉછેરે નવ મહિના, જાણે તું પ્રસવની પીડા, 
તારો દેહ એટલે જન્મભૂમિ, તું છે તો જ સંસાર છે,

સમાજ શું રોકશે માસિકધર્મે, તને ધર્મસ્થાને જતા,
મંદિરની તું જ પાર્વતી, તું જ દુર્ગાને તું જ ખોડિયાર છે,

તને ત્યજીને મર્યાદાપુરુષોત્તમ રામ દુઃખી થ્યા,
તું જ સીતા, તું જ કર્મને તું જ ગીતાનો સાર છે,

દીકરી, બહેન, પત્ની, સખી, માતા- કોને પૂજીએ!,
તું જ ગંગા, તું જ યમુના, તું દેવી એકને રૂપ હજાર છે,

તારો 'સ્પર્શ:' મનને ભીંજવે, તારું વ્હાલ આત્માને લૂછે,
તું જ મમતાનો સાગરને તું જ પાલવનો કિનાર છે,

જો તું બને સાવિત્રી, તો તું યમરાજનોય કાળ છે,
તું જ ઈશ્વર, તું જ માતાને તું જ સર્જનહાર છે.

- નિશાંક મોદી 'સ્પર્શ:'

No comments:

Post a Comment