Sunday, March 1, 2020

જોઈ ગયો છે

આકાશ તરફ જતા રસ્તાનો ઢાળ જોઈ ગયો છે,
ઉડવું પરપોટાને કારણ, એક વરાળ જોઈ ગયો છે,

ભયભીત છે જે પોતે કેમ કરી સંઘરે બીજાને હવે,
એક દર્પણ બીજા દર્પણમાં તિરાડ જોઈ ગયો છે,

કિંમત નીચી જવાના ડરથી શોષવાય છે ભોંયરું,
ખુદની ઉપર ચણાતો એક માળ જોઈ ગયો છે,

જો તો કેવો લાગ્યો 'ભક્ત' છુપાવવાની ફિરાકમાં,
ઈશ્વર હમણાં જ પ્રસાદનો થાળ જોઈ ગયો છે,

પૂછો સૂરજ બિસ્તરા પોટલાં બાંધી ક્યાં ચાલ્યો?,
નક્કી કોઈક બીજી જગ્યાએ સવાર જોઈ ગયો છે,

બધું ત્યાગી દેવાની ગજબની હિંમત મળી અંતમાં, 
દર્દી પથારીમાં યમરાજનો એક કાળ જોઈ ગયો છે,

આકાશ તરફ જતા રસ્તાનો ઢાળ જોઈ ગયો છે,
ઉડવું પરપોટાને કારણ એક, વરાળ જોઈ ગયો છે.

- નિશાંક મોદી

No comments:

Post a Comment