Thursday, November 14, 2019

બાળદિવસ ૨૦૧૯

જીદ નામનું પતંગિયું પકડી જે તરત છોડી શકે,
માણસ ન કરી શકે એ બસ બાળક કરી શકે,

ઝગડા કરે ખુલ્લેઆમ પણ સંબંધ ન તોડી શકે,
માણસ ન કરી શકે એ બસ બાળક કરી શકે,

ઠોકર ખાઈ, ખભાથી આંસું લૂછી એ દોડી શકે,
માણસ ન કરી શકે એ બસ બાળક કરી શકે,

ફાટેલા પતંગ જેવા મનને ઉમંગથી જોડી શકે,
માણસ ન કરી શકે એ બસ બાળક કરી શકે,

ફૂંકથી ઉગાડેલા મેઘધનુષી પરપોટા ફોડી શકે,
માણસ ન કરી શકે એ બસ બાળક કરી શકે.
- નિશાંક મોદી

Monday, November 11, 2019

में एक कहानी मे हु

में एक कहानी मे हूं, तू खुद एक कहानी है,
जहाँ का में राजा हूँ, वहीँ की तू रानी है,

फूल हो तो मुरझाया भी सिख लेना कभी,
यहाँ हर भँवरे के पास छलकती जवानी है,

ये ताजमहल नही जानता खुद की खूबसूरती,
कभी आना तुम्हारी तारीफें तुमको सुनानी है,

चाँद मिला था रास्ते मे, जेब मे रख कहा मैंने,
चल उसके घर पे तुजे तेरी औकात दिखानी है,

तेरी याद में कब तक रखूँगा मैं रोज़ा हररोज,
बेधड़क आजा मुजे तेरे संग दिवाली मनानी है,

बात हो गई मेरी राम से, खुदा ने भी हां कहा,
मस्जिद में तेरी एक बेजोड़ मूरत सजानी है,

लोग कहेंगे मुजे पागल और शायद तुजे भी,
छोड़ उन्हें...ये दुनिया कौन सी यहां सयानी है,

जंग के उसूल बदल गए तेरे इश्क़ के साथ,
कटार सी चलती दिल की धड़कने खानदानी है,

में एक कहानी मे हूं, तू खुद एक कहानी है,
जहाँ का में राजा हूँ, वहीँ की तू रानी है।
- निशांक मोदी

Saturday, November 2, 2019

હૃદયને તાળું

હૃદયને તાળું મારી કોઈ નીકળી ગયું બાદમાં પાછું વળ્યું નથી,
હાંફતાં શ્વાસે ક્યાં દોડીએ એના ઘરનું સરનામુંય મળ્યું નથી,

એક ગજવામાં ભરતો શીંગચણાને બીજામાં લખોટીઓ,
બાળપણ જવાનીને ટોણો મારે હવે તે ખિસ્સામાં કશું ભર્યું નથી,

કોણ કહે છે કે ભૂકંપ ધ્વસ્થ કરી દે છે આ સુખી ઘરોને,
ઝાડ આખુંય કપાયું મારી સમક્ષને જો એક પાંદડુંય ખર્યું નથી,

એની આંખોનું વાદળ ચોક્કસ વરસ્યું હશે મને યાદ કરતા,
કબર આખી બળતીતી પણ ઉપર મૂકેલું એનું ફૂલ બળ્યું નથી,

લાગે નદીએ શ્રાપ આપી દીધો હશે સમંદરને મળતી વેળાએ,
કદાચ એટલે જ દરિયાનું એકેય મોજું કિનારાથી પાછું ફર્યું નથી,

હૃદયને તાળું મારી કોઈ નીકળી ગયું બાદમાં પાછું વળ્યું નથી,
હાંફતાં શ્વાસે ક્યાં દોડીએ એના ઘરનું સરનામુંય મળ્યું નથી.
- નિશાંક મોદી

Friday, October 11, 2019

એક આલીશાન મકાનમાં

એક આલીશાન મકાનમાં સપનું છાનુંમાનું હતું,
ને જ્યાં ખુશીઓ મલકાતીતી એ ઘર નાનું હતું,

રોટલો સૂકોને ચૂલો ભીનો તોય મન આનંદમય,
સૂરજ ઉગે તો ઠીક નહિતર પછી અંધારું હતું,

વસ્ત્ર બદલાવાનેય વસ્ત્રથી ઢાંકવું પડતું શરીર,
ઝૂંપડીની છતમાંય પાછું આભ જેવું કાણું હતું,

સંકોચાયેલું મડદું અકળાઈને પૂછે છે કબરમાંથી,
મારી જમીન પર ફરતાં મને અભિમાન શાનું હતું,

મોટી ચીજો મેળવી ખૂબ જ સહજતાથીને પછી,
ખુશ થવાનું ના કોઈ કારણ કે ના કોઈ બહાનું હતું,

જિંદગીનું પુસ્તક પૈસાએ તો રંગીન કરી નાખ્યું તું,
સોય અટકી ત્યાં જ જયાં સુખનું બેરંગ પાનું હતું,

એક આલીશાન મકાનમાં સપનું છાનુંમાનું હતું,
ને જ્યાં ખુશીઓ મલકાતીતી એ ઘર નાનું હતું.
- નિશાંક મોદી

Thursday, July 18, 2019

જિંદગીના એકએક

જિંદગીના એકએક કિસ્સાઓ મજેદાર હતા,
ના ભૂલી શકાય એવા હર એક યાદગાર હતા,

મીઠી લાગતી ઘંટડી, નિશાળથી છૂટથી વેળાએ,
મન રહેતા હળવાને ખાલી દફ્તરોના ભાર હતા,

કૉલેજના લેક્ચર બંક મારી ખુશી અનુભવતા,
સપનાઓ ક્યાંક ખૂણે પણ આપણે બહાર હતા,

ભૂલોય કરી હશે, અંતે તો માણસજાત જ ને,
તોય બીજાને સમજાવવા આગવા સલાહકાર હતા,

એક જ મંચ પર કદીક હસાવતા ને કદીક રડાવતા,
સુખ ને દુઃખ જિંદગીના બંન્ને મહત્વના કલાકાર હતા,

જિંદગીના એકએક કિસ્સાઓ મજેદાર હતા,
ના ભૂલી શકાય એવા હર એક યાદગાર હતા.
- નિશાંક મોદી

Thursday, May 30, 2019

સુરજથી નજર

સૂરજથી નજર મેળવી ટક્યો, ને ખરતા તારાથી અંજાઈ ગયો,
દરિયાને બાથ ભરી સૂકો રહ્યો, ને એક આંસુથી ભીંજાઈ ગયો,

સારું હતું કે મન મારું ઈચ્છાઓથી સંપૂર્ણ ભરેલું હતું,
નહિતર વળી કો'ક કહેત કે અધુરો ઘડો વધુ છલકાઈ ગયો,

મારે લાયક ન હતું જે એ બધું જ તે મને આપી દીધું,
મારી એક ફૂલની બાધાથી શું ઈશ્વર તું લલચાઈ ગયો,

શસ્ત્રથી વીંધવાની વાત કરી હોત તો લેખે લાગત,
કોઈએ પ્રેમથી ગાલ પંપાળ્યો ને માણસ ગભરાઈ ગયો,

જોઈ મેં મંદિરોમાં થતી લૂંટફાટ તારા જ નામ પર,
તને શોધવા ત્યાં પહોંચ્યોને લાગ્યું કે તું જ ખોવાઈ ગયો,

ગઝલનું દર્દ કલમે લીસોટા પાડીને સમજાવ્યું તું જેને,
કારણ વગરનો એ ચૂંથેલો કાગળ નાહકમાં અભડાઈ ગયો,

સાંભળ્યું તું કે રામ લખેલા બધા પથ્થર તરી ગયા તા,
અમે પ્રયત્ન કર્યો ચોકથી ખાલી એક પથ્થર ઘસાઈ ગયો,

સૂરજથી નજર મેળવી ટક્યો, ને ખરતા તારાથી અંજાઈ ગયો,
દરિયાને બાથ ભરી સૂકો રહ્યો, ને એક આંસુથી ભીંજાઈ ગયો.
- નિશાંક મોદી

Saturday, April 13, 2019

હૃદય ક્યાંક શમી ના જાય

ધબકતા ધબકતા હૃદય ક્યાંક શમી ના જાય,
સાચવીને રાખજે એને, ક્યાંક નમી ના જાય,

જીતતા નથી શીખ્યું આટલા અનુભવો પછી પણ,
કોઈક પાછું પ્રેમની રમત ફરી ક્યાંક રમી ના જાય,

એક હૃદયનો ભાર સહન કરી થાકયું છે શરીર,
એમાં પાછું જોજે એને કોઈક ક્યાંક ગમી ના જાય,

અંતે લાગણીના ટોળા મથશે, હૃદયને રોકવાને,
ડર મને એ કે શ્વાસના ધરતીકંપો ક્યાંક ખમી ના જાય,

ધબકતા ધબકતા હૃદય ક્યાંક શમી ના જાય,
સાચવીને રાખજે એને, ક્યાંક નમી ના જાય.
- નિશાંક મોદી