Saturday, November 2, 2019

હૃદયને તાળું

હૃદયને તાળું મારી કોઈ નીકળી ગયું બાદમાં પાછું વળ્યું નથી,
હાંફતાં શ્વાસે ક્યાં દોડીએ એના ઘરનું સરનામુંય મળ્યું નથી,

એક ગજવામાં ભરતો શીંગચણાને બીજામાં લખોટીઓ,
બાળપણ જવાનીને ટોણો મારે હવે તે ખિસ્સામાં કશું ભર્યું નથી,

કોણ કહે છે કે ભૂકંપ ધ્વસ્થ કરી દે છે આ સુખી ઘરોને,
ઝાડ આખુંય કપાયું મારી સમક્ષને જો એક પાંદડુંય ખર્યું નથી,

એની આંખોનું વાદળ ચોક્કસ વરસ્યું હશે મને યાદ કરતા,
કબર આખી બળતીતી પણ ઉપર મૂકેલું એનું ફૂલ બળ્યું નથી,

લાગે નદીએ શ્રાપ આપી દીધો હશે સમંદરને મળતી વેળાએ,
કદાચ એટલે જ દરિયાનું એકેય મોજું કિનારાથી પાછું ફર્યું નથી,

હૃદયને તાળું મારી કોઈ નીકળી ગયું બાદમાં પાછું વળ્યું નથી,
હાંફતાં શ્વાસે ક્યાં દોડીએ એના ઘરનું સરનામુંય મળ્યું નથી.
- નિશાંક મોદી

No comments:

Post a Comment